Close

ચોમાસું કોને ગમે?

ભારત માં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે
1. બે યાર ઠંડી લાગે છે
2. બે , ગરમી તો જો
3. હાલ ભજીયા ખાવા

તો ઋતુચક્ર આપણને સમજાવે છે કે આ કાળા માથાનો માનવી એને જે સમયે છે વસ્તુ મળે છે એનાથી ખુશ નથી રહી શકતો. એને શિયાળા માં ગરમી , ઉનાળા માં ઠંડક અને ચોમાસામાં દાળવડા અને ભજીયા જોઈતા હોય છે.


અત્યારે આ લખાઈ રહ્યુ છે ત્યારે દેશમાં ચોમાસુ ઠીક ઠીક બેસી ગયુ છે અને હવામાન ખાતા વાળા ની આગાહીઓ પણ ખોટી પડી રહી છે. ઉનાળા ના પત્યા પછી અને ચોમાસા ના શરૂ થયા પહેલાના બફારા પછી એક સરસ મજાનો વરસાદ પડે તો સ્વાભાવિક છે કે બધા ને સારૂ જ લાગે. પણ , રોજ રોજ થોડી આઈ જવાનુ હોય એમ?? મહેમાન અને વરસાદ નવા નવા ૪ દિવસ જ સારા લાગે , પાંચમાં દિવસે થાય જ કે આ જાય તો સારુ ( પર્સનલ નહી લેવુ હોં ) કાં તો ફ્રીકવન્ટલી આવો કાં તો થોડી વાર માટે આવો. આમ આવી ને પડ્યા જ રહો તો કોઈને ના ગમે ને !!

વરસાદ છે ને છોકરીઓ જેવો હોય છે , ક્યારેય ક્યાંય એકલો ના જાય અને જ્યાં જાય ત્યાં પથારી ફેરવી નાખે. વરસાદ આવે ત્યારે એ પાણીની સાથે સાથે કાદવ-કીચ્ચડ-વંદા-માખી-મચ્છર-કંસારી-ચાંચડ જેવી એક થઈ એક અતિભદ્દી ચીજવસ્તુઓ લઈ ને આવે છે.

નોંધપાત્ર બાબત એ છે કે સ્વચ્છતા ના અતિઆગ્રહી એવી કેટલીક છોકરીઓ , જે ગાયના પોદળા જોઇને એનાથી ૬ ફુટ આઘી જતી રહેતી હોય છે એ જ છોકરીઓ ગટરો માંથી ઉભરાયેલા પાણી વચ્ચે ઊભી રહીને “રેઇન” ને એન્જોય કરતી જોવા મળે છે !

મને પર્સનલી ચોમાસુ નથી ગમતું જેની પાછળ ઘણા “વેલિડ” કારણો છે ! એક તો વરસાદ માં માખી મચ્છર અને શાયરો નો ઉપદ્રવ વધી જાય છે. મનુષ્ય એના જીવનમાં ફક્ત ત્રણ જ સમયે શાયરીઓ કરવાનુ વિચારે છે

(૧) પ્રેમ માં પડે ત્યારે

(૨) બ્રેક અપ થાય ત્યારે

(૩) વરસાદ પડે ત્યારે !

” જેમ ભજીયા ની અંદર મરચુ સમાયેલું છે
એમ મારા દિલની અંદર તુ સમાયેલી છે “

આવી એકાદ-બે શાયરીઓ હોય તો સહન કરી લઈએ પણ ચારેય તરફથી બલ્ક માં આવતી હોય ત્યારે સહન કરવુ અઘરું પડી જાય સાલુ.

બીજુ એક કારણ છે માણસો ,
ત્રણ ત્રણ કલાક સુધી વરસાદ માં પલળી ને ફરિયાદ કરશે કે શરદી થઈ ગઈ. દીદી , ત્રણ કલાક આમ બાઘા ની જેમ પલળો તો શરદી ના થાય તો શું થાય ?? અહીં સુધી તો તો ય ઠીક છે , આવાને લઈને દવાખાને જઈએ તો પેલો દાક્તર આંખ ને જીભ જોઈને, ૬૦ રૂપિયા ઉઘરાવીને પાંચ વાળી બે ગોળીઓ આપી દે ત્યારે ખરેખર આમ લાગી આવે. હજુ ય અહીં સુધી ય વાંધો ના આવે પણ આમ દવાખાના માંથી બહાર નીકળ્યા પછી પેલી કહે , “આ તો મને ખબર જ હતી આ ડોક્ટર આ જ દવા આપશે ” તો બહેન , ઝખ મારવા દવાખાને ગઈ તી????

એક પ્રજાતિ એવી પણ છે જે વરસાદ માં છત્રી લઈને બહાર “આંટો” મારવા નીકળે છે !! અને જો ભૂલેચૂકે કોઈ ગાડી વાળો બાજુમાંથી સનનનનનન કરતો પાસ થાય અને મોઢા સિવાય આખેઆખી પલળી જાય ત્યારે ગાડી વાળા ને ગાળો આપે છે.. હવે દીદી , તમે શું આશા રાખી તી ? કે વરસતા વરસાદમાં , ઢીંચણ સમા પાણી માં , કાદવ – કીચડ અને પોદળા થી તરબોળ થયેલી જમીન પર આમ ઠોયા ની જેમ ઉભા રહેશો ને તમે ગંદા ય નહી થાવ??

દર્શવાણી : ચોમાસુ છે ને ચોથા માળ થી જ સુંદર લાગે , ગ્રાઉન્ડ ફ્લોર વાળા ને તો કીચડ, પોદળા અને પાણી ની ખીચડી જોઈને જ વરસાદ પરથી મન ઉઠી જાય

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 Comment
scroll to top