Close

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું; નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો
તેના કરતા પણ વધારે તમને જોયા છે

ગુજરાતી ભાષાનું આ લોકપ્રિય ગીતના શબ્દો પહેલા મનહર ઉધાસના સ્વરમાં અને હાલમાં દર્શન રાવલ અને સચિન સંઘવીના અવાજમાં તમારા મગજમાં હજારો વખત ફરી ચુક્યા છે, પરંતુ તમારામાંથી મોટાભાગના યંગસ્ટર્સને એ નહિ ખબર હોય કે આ શબ્દો (Lyrics) ખરેખર છે કોના છે ?

તો જવાબ છે ‘બરકતઅલી ગુલામહુસેન વિરાણી ‘ ઉર્ફે ‘બેફામ ‘ અને આજે તેમના જન્મદિવસ નિમિતે અમે તમારી સમક્ષ રજુ કરીએ છીએ બરકત વિરાણી સાહેબનો એક ટૂંકો પરિચય.

બરકતઅલી ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ,નઝમ,અને ગીતો માટે પ્રખ્યાત છે. તેમનો જન્મ ૨૫મી નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામમાં થયો હતો.બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા બરકતે પહેલી ગઝલ માત્ર ૧૪વર્ષની કુમળી વયે લખી હતી,કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ગુજરાતી ગઝલના ‘ગઝલ સમ્રાટ’ ‘શ્રી શયદા’ સાહેબના તેઓ જમાઈ હતા. તેમની દીકરી રૂકૈયા સાથે બેફામ સાહેબના લગ્ન થયેલા.

તેમણે ગુજરાતી ચલચિત્ર માટે ગીતો પણ લખેલા છે. જેમ કે “અખંડ સૌભાગ્યવતી”નું “નજરના જામ છલકાવીને”, “એકલા જ આવ્યા મનવા એકલા જવાના” તેમનું લોકપ્રિય ગીત છે, જુદા જુદા ગાયકો દ્વારા કંઠસ્થ થયેલ આ ગીત ભાગ્યે જ કોઈને ખબર નહીં હોય. ઉપરાંત કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન જેવા ચલચિત્રો માટે ગીત તથા ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો.

તેમણે માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસપરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા, આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.

આ તેમની પહેલી ગઝલનો મત્લા હતો

કોણ જાણે મુજ હ્રદયના ભાવને;
કોણ જાણે તુજ વિના બતલાવને.

 

બેફામ સાહેબ તેમના મક્તા માટે લોકપ્રિય છે. મક્તામાં તેઓ મરણનો ઉલ્લેખ કરતા હતા. તેમણે એક પ્રસ્તાવનામાં લખેલું છે કે એક ગઝલ લખતા લખતા અચાનક મરણનો મક્તા લખાઈ ગયો ત્યારબાદ તેમણે દરેક ગઝલમાં મક્તામાં મરણનો ઉલ્લેખ કરવાનું રાખ્યું.

એ મક્તા હતો,

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું;
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

શે’રનો ભાવ કેટલો સુંદર છે.ઘરથી તો કબર સુધી જવાનો માર્ગ બહુ નજીક છે પણ એને પાર કરવા માટે એક આખી જિંદગી પસાર કરવી પડે છે.

દુનિયામાં સારા માણસો જૂજ મળે છે પણ સારા માણસોને જ દુઃખ દર્દ વધુ હોય છે એવો ખુદા પર ફરિયાદ કરતો એક શે’ર,

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

 

તેમના કેટલાક ગીત અને ગઝલ 

 • નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
 • કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
 • થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી
 • નયન ને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે
 • ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
 • ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
 • નઝરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
 • એકલા જ આવ્યા મનવા એકલા જવાના
 • હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે
 • કે મુક્ત થવું હોય તો માયા ન સમજ
 • એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને
 • વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે

ગુજરાતી ગઝલ સાહિત્યમાં આવા અનેક સુંદર ગઝલ ને સુંદર શે’ર આપનાર આ કવિ ગઝલમાં માનભર્યુ સ્થાન ધરાવે છે.ગઝલ એમનો મુખ્ય પ્રાણ.૨ જાન્યુઆરી ૧૯૯૪માં ૭૦વર્ષની વયે મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું ગુજરાતી ગઝલ સાહિત્યને એમની સતત ખોટ સાલતી રહેશે. એમની ગઝલો જ્યાં સુધી ગઝલ સાહિત્ય રહેશે ત્યાં સુધી અમર રહેશે..

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેફામ સાહેબ

માહિતી આપવા બદલ રવિ દવે ‘પ્રત્યક્ષ’ નો ખુબ ખુબ આભાર

જય જય ગરવી ગુજરાત

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 Comment
scroll to top